मुख्य सामग्री पर जाएं
गुजरात

સુરત: 166 કરોડના ડુમસ સી ફેસનું લોકાર્પણ, પણ સાંજે 7 વાગ્યે તાળાં, લોકોમાં નારાજગી

Satish Patel
Satish Patel
19 March 2026, 09:14 PM · 1 मिनट पढ़ें · 2 बार देखा गया
સુરત: 166 કરોડના ડુમસ સી ફેસનું લોકાર્પણ, પણ સાંજે 7 વાગ્યે તાળાં, લોકોમાં નારાજગી

સુરત પાલિકા દ્વારા 166 કરોડ રૂપિયાના ખર્ચે સુરતીઓ માટે ડુમસ સી ફેસ ડેવલપમેન્ટનો પહેલો તબક્કો ખુલ્લો મુકાયો છે. આ પ્રોજેક્ટ સુરતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને પહેલા જ સપ્તાહના અંતે ભારે ભીડ જોવા મળી હતી. જો કે, પાલિકાએ ડુમસ સી ફેસ માટે સાંજે 7 વાગ્યાની સમય મર્યાદા નક્કી કરતા સુરતીઓમાં નારાજગી જોવા મળી રહી છે. મોડી સાંજથી રાત્રે ફરવા માટે ટેવાયેલા સુરતીઓને પાલિકાની આ સમય મર્યાદા યોગ્ય લાગતી નથી.

સી ફેસની મુલાકાત લેનારા લોકો આક્રોશ સાથે કહી રહ્યા છે કે 166 કરોડ રૂપિયાના ખર્ચ પછી સાંજે 7 વાગ્યે તેને બંધ કરી દેવો યોગ્ય નથી. તેઓ અન્ય પ્રોજેક્ટની જેમ સમય મર્યાદા વધારવાની માંગ કરી રહ્યા છે. ખાણી-પીણીના શોખીન સુરતીઓ નોકરી-ધંધાથી આવ્યા બાદ મોડી રાત સુધી ફરવા માટે ટેવાયેલા છે અને તેમના માટે પાલિકાએ બનાવેલો ડુમસ સી ફેસ હોટ ફેવરિટ બન્યો છે.

પ્રોજેક્ટના ઉદ્ઘાટનના થોડા જ દિવસોમાં આ સમય મર્યાદા સુરતીઓને પરેશાન કરી રહી છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે 166 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને બનાવેલો પ્રોજેક્ટ જો સાંજે 7 વાગ્યે જ બંધ કરી દેવાનો હોય તો લોકો તેનો આનંદ કેવી રીતે માણી શકે? શહેરમાં દિવસ દરમિયાન ગરમી વધુ હોવાથી મોટાભાગના લોકો કામકાજ બાદ સાંજે ફરવા નીકળતા હોય છે. પરંતુ સી ફેસ પર સાંજ પડતા જ તાળા મારી દેવામાં આવતા લોકોમાં અસંતોષ ફેલાયો છે.

કેટલાક મુલાકાતીઓએ ગુસ્સામાં જણાવ્યું હતું કે પાલિકા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને પ્રોજેક્ટ બનાવે છે, પરંતુ લોકો તેનો આનંદ લઈ શકે તેવી યોગ્ય વ્યવસ્થા કરતી નથી. શહેરના અન્ય સ્થળો પર મોડી રાત સુધી લોકો ફરતા હોય છે, તો અહીં કેમ સાંજે જ લોકોને બહાર કાઢી દેવામાં આવે છે?

ડુમસ દરિયા કિનારાની ઠંડી હવા અને સાંજ પછીનું વાતાવરણ જ આ વિસ્તારનું સૌથી મોટું આકર્ષણ છે. દિવસ દરમિયાન અહીં ગરમી અને તડકાના કારણે ઓછા લોકો આવે છે, જ્યારે સાંજ પછી પરિવાર સાથે સમય પસાર કરવા મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચે છે. આવી સ્થિતિમાં સાંજે 7 વાગ્યે જ પ્રવેશ બંધ કરી દેવો લોકોને યોગ્ય નથી લાગી રહ્યું.

સુરતીઓનું સ્પષ્ટ કહેવું છે કે જો પાલિકા શહેર માટે 166 કરોડનો પ્રોજેક્ટ ઊભો કરે છે તો લોકો તેને મોડી સાંજ સુધી માણી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ અને મુલાકાતીઓ માટે આ પ્રોજેક્ટ રાત્રિના 11 વાગ્યા સુધી ખુલ્લો રાખવો જોઈએ તેવી માંગણી થઈ રહી છે. જો પાલિકા સમય મર્યાદામાં ફેરફાર નહીં કરે તો આગામી દિવસોમાં આ મુદ્દે પાલિકાએ સુરતીઓના રોષનો સામનો કરવો પડે તો નવાઈ નહીં.

એક દિવસમાં ડુમસ સી ફેસમાંથી 300 કિલો કચરો પાલિકાએ એકઠો કર્યો.

સુરત પાલિકાના ડુમસ સી ફેસ પ્રોજેક્ટ સપ્તાહના અંતે ભારે ભીડના કારણે અને સમય મર્યાદાના કારણે વિવાદમાં છે. બીજી તરફ પાલિકાએ અહીં આવતા લોકોને કચરાના સેગ્રીગેશન માટે જાગૃત કરવા પ્રયાસ કર્યો છે. પાલિકાએ પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ સાથે મળીને ડુમસ સી ફેસ અને દરિયા ગણેશ મંદિર પાસે બીચ પર વિવિધ સ્ટોલ અને ગ્રુપ બનાવીને મોટા સ્પીકર લગાવી સમજણ આપી હતી. ડુમસ સી ફેસ અને ડુમસ બીચની આજુબાજુના વિસ્તારમાંથી સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા અંદાજે 300 કિલો જેટલો કચરો એકઠો કરવામાં આવ્યો હતો.

संबंधित समाचार