દેશભરમાં માવઠાની આગાહી: ગુજરાતમાં ગરમીથી રાહત, તાપમાન 39 ડિગ્રીથી નીચે પહોંચ્યું. માર્ચ મહિનાના અંત સુધી હીટવેવની શક્યતા નહિવત્, રાત્રિ ગરમ રહેશે.
રાજકોટ: દેશમાં સક્રિય પશ્ચિમી વિક્ષોભના કારણે 17 માર્ચે ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારતને અસર કરશે. અન્યત્ર ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાત સહિત દેશભરમાં હવામાનમાં પલટો આવશે. જેના કારણે અસહ્ય ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગે 20 માર્ચ સુધી દેશભરમાં હળવાથી ભારે માવઠાની આગાહી કરી છે. ગુજરાતમાં 18, 19 અને 20 માર્ચે ગાજવીજ અને તીવ્ર પવન સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 18 માર્ચે મોરબી, દ્વારકા, જામનગર, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વરસાદની સંભાવના છે. 19 માર્ચે રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, સુરત, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી જિલ્લા અને દીવમાં ગાજવીજ સાથે માવઠાની ચેતવણી જારી કરવામાં આવી છે. જો સિસ્ટમ વધુ મજબૂત થશે તો વરસાદની તીવ્રતા અને સમયગાળો વધી શકે છે. આગાહીની ચોકસાઈ એક-બે દિવસ માટે વધુ હોય છે.
આજે ગુજરાતમાં તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. કંડલામાં મહત્તમ તાપમાન 38.8 ડિગ્રી, રાજકોટમાં 38.4 ડિગ્રી અને અમદાવાદ, ડીસા, ગાંધીનગર, વલ્લભવિદ્યાનગર, સુરેન્દ્રનગર, સુરત અને ભૂજમાં 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. વડોદરા, કેશોદ અને જૂનાગઢમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમરેલી, પોરબંદર, મહુવા અને કેશોદમાં સવારનું તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ માવઠાની શક્યતા છે. પશ્ચિમ બંગાળ, પૂર્વ ભારતમાં અને જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ અને બરફવર્ષાની ચેતવણી આપવામાં આવી છે.