मुख्य सामग्री पर जाएं
गुजरात

અમદાવાદ: રેવડી બજારમાં ભીષણ આગ, 30 દુકાનો ખાખ, વર્ષ 2002માં પણ બની હતી આવી ઘટના

Satish Patel
Satish Patel
19 March 2026, 07:43 PM · 1 मिनट पढ़ें · 4 बार देखा गया
અમદાવાદ: રેવડી બજારમાં ભીષણ આગ, 30 દુકાનો ખાખ, વર્ષ 2002માં પણ બની હતી આવી ઘટના

અમદાવાદના રેવડી બજારમાં બુધવારે બપોરે એક દુકાનમાં આગ લાગી હતી, જેણે જોતજોતામાં આસપાસની 30 દુકાનોને લપેટમાં લઈ લીધી હતી. દુકાનોમાં રાખેલો કાપડ અને પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આગની જાણ થતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને ફાયર ફાઈટર સહિત 20થી વધુ વાહનો અને 100 કર્મચારીઓના સ્ટાફે ત્રણ કલાકથી વધુની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રાથમિક અનુમાન શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું છે.

આશ્ચર્યની વાત એ છે કે વર્ષ 2002માં પણ રેવડી બજારમાં આવી જ ઘટના બની હતી, જેમાં 80 દુકાનો આગમાં ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, બુધવારની આગમાં કોઈ જાનહાની થઈ નથી. ફાયર કંટ્રોલના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, બપોરે 1:40 વાગ્યે આગ લાગવાનો કોલ મળતાં જ પાંચકુવા ફાયર સ્ટેશનથી તાત્કાલિક સ્ટાફને ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યો હતો.

કાપડ અને પ્લાસ્ટિકનો જથ્થો વધુ હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. શહેરના અલગ-અલગ ફાયર સ્ટેશનથી ગાડીઓ અને જવાનોને બોલાવવામાં આવ્યા હતા. સાંકડા રસ્તા અને ભીડના કારણે ફાયર વિભાગને કામગીરીમાં મુશ્કેલી પડી હતી, પરંતુ પોલીસે ભીડને નિયંત્રણમાં લીધા બાદ આગ હોલવવાની કામગીરી કરવામાં આવી હતી. સાંજે 5:15 વાગ્યા પછી કૂલિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

संबंधित समाचार