અમદાવાદથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. વટવા વિસ્તારમાં 'એક ફૂલ ઓર દો માળી' જેવો મામલો પ્રકાશમાં આવ્યો છે. એક જ યુવકના પ્રેમમાં પડેલી બે યુવતીઓ વચ્ચે ઝઘડો થયો હતો. એક પ્રેમિકાએ તેના મિત્રો સાથે મળીને બીજી યુવતીનું રિક્ષામાં અપહરણ કર્યું, માર માર્યો અને કાતરથી તેના વાળ કાપી નાખ્યા. આ ઘટના અંગે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
પોલીસ ફરિયાદ અનુસાર, વટવામાં રહેતી પ્રિયા (નામ બદલ્યું છે) વિપુલ ઉર્ફે ધીરેન્દ્ર નામના યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી. આ વાતની જાણ ભારતી પટણી નામની અન્ય યુવતીને થતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ભારતી પણ વિપુલને પ્રેમ કરતી હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પ્રિયા જ્યારે ભારતી, પારુલ પટણી અને સાગર મારવાડી સાથે રિક્ષામાં જઈ રહી હતી, ત્યારે ભારતીએ પ્રિયાને જાતિ વિષયક અપશબ્દો કહ્યા હતા. આ દરમિયાન ભારતી, પારુલ અને સાગરે પ્રિયાને માર માર્યો અને ભારતીએ તેના વાળ કાપી નાખ્યા. આ ઝપાઝપીમાં પ્રિયાનો 8,000 રૂપિયાનો મોબાઈલ પણ પડી ગયો હતો.
પ્રિયાએ જણાવ્યું કે તે અઢી વર્ષ પહેલાં વટવાની એક કંપનીમાં નોકરી કરતી હતી, જ્યાં તેની મુલાકાત રિક્ષાચાલક વિપુલ સાથે થઈ. બંને વચ્ચે ફોન પર વાતચીત શરૂ થઈ. પરંતુ છેલ્લા દોઢ મહિનાથી વિપુલ ભારતીના સંપર્કમાં આવતા તેણે પ્રિયા સાથે વાત કરવાનું ઓછું કરી દીધું હતું. એક દિવસ પ્રિયાએ વિપુલને ફોન કર્યો ત્યારે ભારતીએ ફોન ઉપાડીને પૂછ્યું કે કોણ બોલે છે? પ્રિયાએ જવાબ આપ્યો કે તે વિપુલ સાથે વાત કરવા માંગે છે. ત્યારબાદ ભારતી, પારુલ અને સાગર પ્રિયાને મળવા તેના ઘરે ગયા અને વિપુલ સાથે વાત કરાવવાના બહાને તેને રિક્ષામાં બેસાડી લઈ ગયા.
રિક્ષામાં ભારતીએ પ્રિયાને કહ્યું કે તે વિપુલને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. પ્રિયાએ પણ જવાબમાં કહ્યું કે તે પણ વિપુલને પ્રેમ કરે છે. આ સાંભળીને ભારતી ગુસ્સે થઈ ગઈ અને પ્રિયાને જાતિ વિષયક અપશબ્દો બોલ્યા. ત્યારબાદ ત્રણેયે મળીને પ્રિયાને માર માર્યો. ગભરાઈને પ્રિયાએ કહ્યું કે તે હવેથી વિપુલ સાથે વાત નહીં કરે. પછી આરોપીઓએ પ્રિયાને છોડી દીધી.
પીડિતાએ આ ઘટના વિશે પોતાની ભાભીને જણાવતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રિયાએ ભારતી પટણી, પારુલ પટણી અને સાગર મારવાડી વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.