સુરત: સુરત મહાનગરપાલિકા અને દક્ષિણ ગુજરાત વીજ વિતરણ કંપની વચ્ચે સંકલનના અભાવે પાલ ભાઠા ગામના નવા ટીપી રોડ પર મોટો અકસ્માત થવાની સંભાવના છે. આ વિસ્તારમાં બિનજરૂરી વીજ થાંભલો લાંબા સમયથી રસ્તાની વચ્ચે ઉભો છે, જેના કારણે અકસ્માતનું જોખમ વધી ગયું છે.
સુરત પાલિકાના રાંદેર ઝોન વિસ્તારમાં ભાઠા ગામના નવા ટીપી રોડ પર આ સમસ્યા જોવા મળી રહી છે. રોડની બરોબર વચ્ચે વીજ કંપનીનો થાંભલો ઉભો છે, જેના પર વાયર પણ નથી, એટલે કે તે બિનઉપયોગી છે. તેમ છતાં, વીજ કંપની દ્વારા તેને હટાવવામાં આવ્યો નથી. આ રોડ પરથી સતત વાહનોની અવરજવર રહે છે અને રસ્તાની વચ્ચે થાંભલો હોવાના કારણે અકસ્માતો થઈ રહ્યા છે.
સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે આ બિનજરૂરી થાંભલાના કારણે નાના અકસ્માતો થઈ રહ્યા છે, અને જો તંત્ર દ્વારા તાત્કાલિક કોઈ પગલાં લેવામાં નહીં આવે તો મોટો અકસ્માત થવાની શક્યતા છે. લોકો માંગ કરી રહ્યા છે કે પાલિકા તંત્ર વીજ કંપની સાથે સંકલન કરીને તાત્કાલિક આ થાંભલો હટાવે, જેથી કોઈનો જીવ જોખમમાં ન મુકાય.