ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી: એક તરફ કહેવાય છે કે કાયદામાં રહેવામાં ફાયદો છે, પરંતુ બીજી તરફ ડ્રગ્સ પેડલરો અને માફિયાઓને પોલીસનો ડર જ નથી રહ્યો. રાજ્યમાં દારૂ અને ડ્રગ્સનું વેચાણ બેરોકટોક ચાલી રહ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉન સુરતમાંથી જ 3146 કિલો ડ્રગ્સ, અફીણ અને અન્ય નશીલી સીરપનો મોટો જથ્થો પકડાયો છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર કેટલી હદે ફેલાયેલો છે.
પોલીસની કાર્યવાહી પર સવાલ: વિપક્ષે આ મુદ્દે સરકારને ઘેરી છે. તેમનું કહેવું છે કે ગાંધીના ગુજરાતમાં નશાબંધી માત્ર નામ પૂરતી જ રહી ગઈ છે. આજે ગુજરાત નશામુક્ત નહીં, પરંતુ નશાયુક્ત બની રહ્યું છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પ્રશ્ન પૂછ્યો હતો કે છેલ્લા કેટલા સમયમાં સુરત જિલ્લામાંથી કેટલું અફીણ અને અન્ય ડ્રગ્સ પકડાયું? જેના જવાબમાં ગૃહ વિભાગે સ્વીકાર્યું કે 3146 કિલો ડ્રગ્સ અને 16 કિલો અફીણનો જથ્થો પકડાયો છે. આ ઉપરાંત, 2620 નંગ સીરપની બોટલો પણ જપ્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો: ભારતમાં આતંકવાદી કાવતરું: NIAએ 6 યુક્રેનિયન 1 અમેરિકન નાગરિકની કરી ધરપકડ
માફિયાઓ ક્યારે પકડાશે?: વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે કે ગૃહમંત્રીના હોમટાઉન સુરતમાંથી આટલો મોટો જથ્થો પકડાય તે નાની વાત નથી. પોલીસ માત્ર ડ્રગ્સ પેડલરોને પકડીને પોતાની પીઠ થપથપાવે છે, પરંતુ આ જથ્થો ક્યાંથી આવ્યો? ડ્રગ્સ મોકલનારા માફિયાઓ ક્યારે પકડાશે? આ મુદ્દે ગૃહ વિભાગ પાસે કોઈ જવાબ નથી. આજે ગાંધીના ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે અને યુવાધન નશાના રવાડે ચઢી રહ્યું છે, ત્યારે સરકાર કડક પગલાં ભરીને ગુજરાતને ખરા અર્થમાં ડ્રગ્સમુક્ત બનાવે તેવી માંગ ઉઠી છે.