मुख्य सामग्री पर जाएं
गुजरात

સુરત શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ વધુ એક વર્ષ સુધી સત્તા પર રહેશે

Satish Patel
Satish Patel
19 March 2026, 09:14 PM · 1 मिनट पढ़ें · 2 बार देखा गया
સુરત શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ વધુ એક વર્ષ સુધી સત્તા પર રહેશે

સુરત શિક્ષણ સમિતિ: સુરત મહાનગર પાલિકાની 2021ની ચૂંટણીના નવ મહિના બાદ શિક્ષણ સમિતિની ટીમ જાહેર કરવામાં આવી હતી. તાજેતરમાં 11 માર્ચે કોર્પોરેટરોની ટર્મ પૂરી થતાં સમિતિના સભ્યો ભૂતપૂર્વ સભ્ય બની ગયા છે. પરંતુ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તેમની ટર્મ પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ રહેશે.

મહાનગર પાલિકાની ચૂંટણી બાદ નવું જાહેરનામું બહાર ન પડે ત્યાં સુધી સમિતિના અધ્યક્ષ પોતાના પદ પર યથાવત રહેશે અને તમામ સત્તા ભોગવશે, પરંતુ તેઓ નીતિ વિષયક નિર્ણયો લઈ શકશે નહીં.

સુરત મહાનગર પાલિકાની ટર્મ 11 માર્ચના રોજ પૂરી થઈ ગઈ છે અને પદાધિકારીઓ તેમજ કોર્પોરેટરો ભૂતપૂર્વ બની ગયા છે. આ સાથે શિક્ષણ સમિતિના સભ્યો પણ ભૂતપૂર્વ થઈ ગયા છે. જો કે, મહાનગર પાલિકાની ચૂંટણી યોજાશે અને નવા ચૂંટાયેલા સભ્યો કોર્પોરેટર તરીકેનો કાર્યભાર સંભાળશે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ શિક્ષણ સમિતિના સભ્યોની નિમણૂક કરશે.

મહાનગર પાલિકામાં જે પક્ષ સત્તા પર આવશે તે પક્ષના સભ્યોની સંખ્યાના આધારે શિક્ષણ સમિતિની નવી ટીમ જાહેર થશે.

ગત ટર્મમાં મહાનગર પાલિકાના પદાધિકારીઓની નિમણૂકના નવ મહિના બાદ ગેઝેટ જાહેર થયું હતું અને ત્યારબાદ શિક્ષણ સમિતિની ટીમ જાહેર કરવામાં આવી હતી. હાલમાં મહાનગર પાલિકાની ચૂંટણી બાકી છે, ત્યારબાદ સમિતિના સભ્યોની ચૂંટણી થશે તથા સરકારમાં મોકલવામાં આવશે. ત્યારબાદ ગેઝેટ બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ શિક્ષણ સમિતિની નવી ટીમ જાહેર થશે.

આ પ્રક્રિયામાં એક વર્ષ જેટલો સમય લાગી શકે તેવી શક્યતા છે. તેથી હાલના શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયા હજી એક વર્ષ સુધી સમિતિના અધ્યક્ષ બની રહેશે અને ઉપાધ્યક્ષ પણ એક વર્ષ સુધી તેમના હોદ્દા પર રહેશે. આ સમય દરમિયાન તેઓ અધ્યક્ષ તરીકેની તમામ સત્તા ભોગવશે, પરંતુ નીતિ વિષયક નિર્ણયો લઈ શકશે નહીં.

જો કે, ઇન્ચાર્જ શાસનાધિકારી તરીકે પહેલાં થયેલાં કામોને આગળ ધપાવી શકશે. આમ સમિતિના સભ્યોની ટર્મ પૂરી થઈ ગઈ છે, પરંતુ હાલના અધ્યક્ષ એક વર્ષ સુધી સત્તા ભોગવી શકશે.

संबंधित समाचार