જૂનાગઢ: ગીરના જંગલમાં ઉનાળાની ગરમી વધતા સિંહોએ પોતાની દિનચર્યા બદલી છે. દિવસભર આરામ અને રાત્રે શિકારની રણનીતિ અપનાવી છે. સિંહો માટે કુદરતી એર કન્ડીશનર એટલે નદીઓની ઉંડી કોતરો, ખેતરો અને ઝાડીઓ.
ગીર અને આસપાસના વિસ્તારોમાં 40-42 ડિગ્રી તાપમાનમાં સિંહોએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સેફ ઝોન શોધવો પડે છે. જંગલની નદીઓ, આસપાસના વિસ્તારોમાં પાણીના પોઈન્ટ, ઝાડીઓમાં આરામ કરવા મજબૂર બને છે. ખેતરનું તાપમાન જંગલની જમીન કરતા 3-5 ડિગ્રી ઓછું હોય છે.
ઉનાળામાં સૂર્યોદય પહેલા શિકારની શોધ અને ગરમી વધતા કોતરોમાં આરામ કરે છે. એશિયાટીક સિંહોનું નવું શેડ્યૂલ અમલમાં આવે છે, જેમાં બપોરે આરામ અને રાત્રે શિકાર કરે છે. સૂરજ આથમતા જ તેમની સ્ફૂર્તિ વધી જાય છે. ઉનાળામાં સિંહો ખુલ્લા મેદાનો છોડી ઠંડકવાળી જગ્યા પસંદ કરે છે. ગીરમાં નદીઓની કોતરો સિંહો માટે મનપસંદ રહેઠાણ હોય છે.
ઉનાળામાં ઘાસ સુકાઈ જવાથી તૃણાહારી પ્રાણીઓ પાણી અને લીલા ઘાસની શોધમાં ખેતરો તરફ જાય છે, તેમની પાછળ સિંહો પણ રેવન્યુ વિસ્તારમાં રહે છે. ગરમીથી બચવા સિંહો આંબાવાડીયા કે ગુફાઓમાં આશરો લે છે. ઉનાળો સિંહો માટે અસ્તિત્વ ટકાવી રાખવાની કસોટી છે. ગીરની આસપાસ પાણીની સારી સ્થિતિ હોવાથી સિંહો ખેતરોની આસપાસ વસવાટ કરવાનું પસંદ કરે છે. સિંહો જંગલ કરતા રેવન્યુ વિસ્તારને પોતાનું રાજમહેલ માની લે છે.
સિંહોને માણસની જેમ પરસેવો વળવાની ગ્રંથિ હોતી નથી. શિકાર કરીને માંસ ખાવાથી શરીરમાં ગરમી પેદા થાય છે. બહારનું તાપમાન વધારે હોય અને અંદર પાચનની ગરમી ભળે ત્યારે સિંહ બેચેની અનુભવે છે. તેઓ પંજાના તળિયા દ્વારા અથવા જીભ બહાર કાઢીને હાંફીને ગરમી કાઢે છે. માંસાહારી હોવાથી લોહીનું દબાણ અને શરીરનું તાપમાન ઝડપથી વધે છે.