मुख्य सामग्री पर जाएं
गुजरात

ગોંડલમાં વર્ષો જૂનું પીરની આંબલીનું વિશાળ વૃક્ષ ધરાશાયી, વાહનવ્યવહાર ખોરવાયો

Satish Patel
Satish Patel
19 March 2026, 09:16 PM · 1 मिनट पढ़ें · 1 बार देखा गया
ગોંડલમાં વર્ષો જૂનું પીરની આંબલીનું વિશાળ વૃક્ષ ધરાશાયી, વાહનવ્યવહાર ખોરવાયો

ગોંડલમાં હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતીક સમાન 500 વર્ષ જૂનું પીરની આંબલીનું વૃક્ષ ધરાશાયી: વાહનવ્યવહાર ખોરવાયો.

ગોંડલ શહેરની શાન અને હિન્દુ-મુસ્લિમ એકતાનું જીવંત પ્રતીક ગણાતું 500 વર્ષ જૂનું ઐતિહાસિક આંબલીનું વૃક્ષ ગત મોડી રાત્રે કડાકાભેર ધરાશાયી થયું છે. જેલ ચોક પાસે આવેલી 'બાવા હબશ પીરની આંબલી' તરીકે ઓળખાતું આ વિશાળકાય વૃક્ષ રાત્રે અઢી વાગ્યાના સુમારે અચાનક નમી પડ્યું હતું. સદનસીબે, મધરાતનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી છે, જેને લોકો પીરબાપાનો ચમત્કાર માની રહ્યા છે.

વૃક્ષના બેભાગ અડધું જેતપુર રોડ પર, અડધું ભોજરાજપરામાં

આ તોતિંગ વૃક્ષ કુદરતી રીતે જ વચ્ચેથી બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. વૃક્ષનો એક મોટો હિસ્સો મુખ્ય ગોંડલ-જેતપુર હાઇવે પર પડ્યો હતો, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો. જ્યારે બીજો હિસ્સો ભોજરાજપરા વિસ્તાર તરફ પડ્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈને PGVCLની ટીમે તાત્કાલિક વીજ પુરવઠો કાપી નાખ્યો હતો, જેથી કોઈ શોર્ટ સર્કિટની દુર્ઘટના ન સર્જાય. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી.

શ્રીફળ, પેંડા અને ચોકલેટની માનતા

આ માત્ર એક વૃક્ષ નહોતું, પણ ગોંડલના લોકોની અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર હતું. અહીં 'હજરત બાવા હબશ પીર'ની પવિત્ર જગ્યા આવેલી છે. વર્ષોથી અહીં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો એકસાથે દર્શનાર્થે આવે છે. લોકો અહીં પોતાની બાધા-આખડી પૂરી કરવા શ્રીફળ, પેંડા અને ચોકલેટની માનતા રાખતા. દર ગુરુવારે અહીં વિશેષ પ્રસાદી ચડાવી નાના બાળકોને વહેંચવામાં આવતી. દર વર્ષે જાન્યુઆરીમાં અહીં ભવ્ય ઉર્સ (મેળો) ભરાતો, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા.

મોટી દુર્ઘટના ટળી

જેલ ચોક વિસ્તાર હંમેશા ટ્રાફિકથી ધમધમતો રહે છે. જો આ 500 વર્ષ જૂનું વૃક્ષ દિવસના સમયે ધરાશાયી થયું હોત તો અનેક વાહનો અને રાહદારીઓ તેની ઝપટે ચડી ગયા હોત. પરંતુ રાત્રે 2:30 વાગ્યે આ બનાવ બનતા કોઈને પણ ઈજા કે જાનહાનિ થઈ નથી. સ્થાનિકો માની રહ્યા છે કે, પીરબાપાએ પોતે જ પોતાની જગ્યા પર આ સંકટ ઝીલી લીધું અને શહેરને મોટી જાનહાનિથી બચાવી લીધું.

संबंधित समाचार