રાજકોટ: રૈયા રોડ પર ભાવેશ વાણવીની હત્યા કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ હત્યા પાછળ મહિલા મિત્રતા કારણભૂત હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. મુખ્ય આરોપી હજુ ફરાર છે.
પોલીસે રવિ મેરાભાઇ જોગરાણા (ઉ.વ.૩૩), સાગર જોગરાણા (ઉ.વ.૨૬) અને ગોપાલ જોગરાણા (ઉ.વ.૨૨)ની ધરપકડ કરી છે. આ ત્રણેય રાધેશ્યામ ગૌશાળાની સામે મફતીયાપરાના રહેવાસી છે. મુખ્ય આરોપી હમીર જોગરાણા અને અન્ય ત્રણ આરોપીઓ દેવકરણ, ભુરો અને વિક્રમ હજુ ફરાર છે, જેમની શોધખોળ ચાલુ છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક ભાવેશની કૃપાલી નામની એક મહિલા મિત્ર હતી. આરોપી હમીરને પણ કૃપાલી સાથે મિત્રતા થઈ ગઈ હતી અને બંને ઇન્સ્ટાગ્રામ પર વાતચીત કરતા હતા. આ બાબતે ભાવેશ અને હમીર વચ્ચે ઝઘડો થયો હતો.
આરોપી હમીરના ભાઈ સાગરનો રસનો ચિચોડો છે, જ્યાં કેટલાક આવારા તત્વો ભેગા થાય છે. ભાવેશે આ બાબતે મનપામાં અરજી કરી હતી, જેના કારણે તકરાર વધી હતી. હમીરે પોલીસમાં અરજી કરી હતી કે ભાવેશ અને કૃપાલી તેને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવી રહ્યા છે. આ ઝઘડાના કારણે હમીરે તેના ભાઈઓ અને અન્ય સાથીઓ સાથે મળીને ભાવેશની હત્યા કરી.
ગઈકાલે ભાવેશના પરિવારજનોએ હોસ્પિટલ ચોક પાસે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે ધમાલ થઈ હતી. આ અંગે એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
ક્રાઈમ બ્રાંચના એએસઆઈ સંજયભાઈ દાફડાએ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી દિલીપ ધીરુભાઈ સોલંકી ઉર્ફે ડી.ડી. સોલંકી, અશોક સિંધવ અને નરેશભાઈ બગડાએ ટોળાને ઉશ્કેરી ચક્કાજામ કરવા કહ્યું હતું. જેના કારણે ૧૫ થી ૨૦ લોકોના ટોળાએ રસ્તો બ્લોક કરી દીધો હતો. પોલીસે તેમને ડીટેઈન કરવાની કાર્યવાહી શરૂ કરી તો આરોપીઓએ પોલીસને ધક્કો મારી નીચે પાડી દીધા અને ગાળો બોલવા લાગ્યા હતા.
આરોપી ડી.ડી. સોલંકીએ સંજયભાઈને ધમકી આપી હતી કે તે ઘરે એકલો જશે તો તેને રસ્તામાં પતાવી દેશે. પોલીસે ત્રણેય આરોપીઓ અને અન્ય ૧૫ થી ૨૦ લોકોના ટોળા સામે ફરજમાં રૂકાવટ અને ધમકી આપવા સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી છે.
પોલીસે જણાવ્યું કે મૃતક ભાવેશ સામે મારામારી અને રાયોટીંગ સહિતના આઠ ગુના નોંધાયા હતા અને તેની પાસા હેઠળ અટકાયત પણ કરવામાં આવી હતી.